પાલનપુરથી મેહુલ જોષીની કલમે

ડગલું…………

ડગલું  એવું  શાથી ભરવું?

થોડું થોડું કાયમ મરવું?

મુક્તિ પામો તેવું જીવો,

શાને જગમાં પાછા ફરવું?

ફળતી લાગે ઈચ્છા કોઈની,

સાક્ષી છે તારાનું   ખરવું.

માણસ છે ભૈ બોલે રાખે.

સાચા છો તો શાને ડરવું?

દેખો સાગર ખુલ્લો આખો,

ખાબોચિયામાં શું તરવું?……………..મેહુલ.(ગા…૮)

તાલ કરવા……….

રોજ શું આ તાલ કરવા?

સાવ ખોટા વાલ કરવા?

કોણ કે છે થાપ મારી,

ગાલને આ લાલ કરવા?

પેટ ચોળી શૂળ ના કર,

જીવતર બેહાલ કરવા.

કામ રોજે રોજ નું કર,

એ વળી શું કાલ કરવા?

દોસ્ત એવો શોધવો જે,

કામ આવે ઢાલ કરવા.

ભાગ્યના સૌ ખેલ બોલો માનવી ટાળી શકે છે?

શું હથેળીની બધી રેખા કહો વળી શકે છે?

આપણી સૌ વેદનાઓ આપણી સાથે જ છે ને?

કોણ છે જે યાદને એની હવે બાળી શકે છે?

આંખ આડા હાથ તું શું કામ લાવે છે મને કે?

એમ કોઈ આંખથી આંસુ ભલા ખાળી શકે છે?

શી ખબર તાકાત કેવી છે અશ્રુ માં?બે ખબર છું.

જો હૃદય પત્થર હશે તો પણ સદા ગાળી શકે છે.

કોણ કે છે કે સમય જાતા બધું વિસરી જવાનું?

આ હૃદય મારું બધીયે યાદને પાળી શકે છે……….મેહુલ.

ખુદા મને તારી હવે ક્યાં બીક લાગે છે,
કરતો ફરું છું હું મને જે ઠીક લાગે છે.
દુઃખો બધીયે જાતમાં ના હોય આ સરખા,
જીસસ,ખુદા,ઈશ્વર મને તો એક લાગે છે.
આ રોજ માણસમાં મરે છે માણસાઈ ને,
માણસ થવાનો કેટલો આ થાક લાગે છે.
આ આથમેલી સાંજમાં કેવા પુરે રંગો,
ઈશ્વર મને આ સાંજનો આશીક લાગે છે.
એ સાવ સૂકાઈ ગઈ છે તોય બેઠો છે,
પથ્થર નદીનો કેટલો માશૂક લાગે છે……….ગાગાલગા -ગાગા ……..મેહુલ.

પ્રેમ ની મોસમ

આ પ્રેમ ની મોસમ તને જોઈ સતત છલકાય છે,

ને ફૂલતો કેવા મનોમન મૌનમાં હરખાય છે.

કોઈ ખુલાશા માગવા મારે નથી તારી કને,

આ રીત થી જો આપણો આ પ્રેમ તો સચવાય છે.

મળવું નથી મારે કદી બસ એટલું છે પૂરતું,

જોઈ તને બસ હોઠ મારા કેટલા મલકાય છે.

તું બોલ કે ના બોલ હરદમ તે છતાં જોને હવે,

ચારો તરફ તારા શબ્દો જાણે સતત પડઘાય છે.

હોઉં કદી જો એકલો તું યાદ આવે ઠીક છે,

પણ,ભીડમાં આ ખોટ જો તારી મને વરતાય છે………..મેહુલ.